Tuesday, 27 March 2012

Ishwar Che Tu



માત્ર ત્રણ અક્ષર છે તું, ઈશ્વર છે તું;
લાગણીથી પર છે તું, ઈશ્વર છે તું.

ઘર મને, ભીંતો મને, સગપણ મને;
મુક્ત છે, બેઘર છે તું, ઈશ્વર છે તું.

પ્રશ્ન છું, કૂટપ્રશ્ન છું, માણસ છું હું;
ક્યાં કોઈ ઉત્તર છે તું ? ઈશ્વર છે તું.

હું જ નર્તન છું અનાદિ ને અનંત,
માત્ર એક ઝાંઝર છે તું, ઈશ્વર છે તું.

પગ મૂકી તો જો ધરા પર એકવાર !
ક્યાં હજી પગભર છે તું ? ઈશ્વર છે તું.

સ્વસ્થ હું હોઉં તો તું હોતો નથી,
ને ક્વચિત્ કળતર છે તું, ઈશ્વર છે તું.

:-રઈશ મનીઆર

No comments:

Post a Comment